ધરપકડ: ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા મામલે ભાજપના પૂર્વ MP બાબુ કટારાના પુત્રની ધરપકડ, પિતા કબૂતરબાજીમાં તો દીકરો હત્યામાં ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ28 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિરેન પટેલ હત્યા કેસમાં ઝડપાયેલા અમિત કટારાની ફાઈલ તસવીર
ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની 27 સપ્ટેમ્બરના રોજ જીપ વડે ટક્કર મારીને હત્યા કરી દેવાઇ હતી. હત્યા રાજકીય કારણોસર જ કરાઇ હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ એટીએસ દ્વારા હત્યાના બરોબર ત્રણ માસ બાદ સોમવારે કરાયો હતો. આ કાવતરામાં સંડોવાયેલા અને હત્યા માટે સોપારી આપનારા ઝાલોદના જ ઇમરાન ઉર્ફે ઇમુ ડાંડને ATS દ્વારા હરિયાણાના મેવાત જિલ્લાથી પકડ્યા બાદ દાહોદના પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અને હાલના કોંગી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇ અમિત હત્યાનો મુખ્ય સૂત્રધાર હોવાનું ATSએ જાહેર કરતાં ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે આજે(31 ડિસેમ્બર) દાહોદ પોલીસે અમિત કટારાની કરી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમિત કટારાના પિતા બાબુ કટારા કબૂતરબાજીમાં ઝડપાયા હતા.
માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવવાનું અમિતનું સપનું રોળાતાં હિરેન પટેલની હત્યા!
ઝાલોદ પાલિકાની બીજી ટર્મની પ્રમુખ પદની ચૂંટણીમાં કોંગી સભ્યને કોંગ્રેસને મેન્ડેટ મળ્યું હતું. જોકે તેમને પ્રમુખ બનાવવામાં ભાજપના આઠ અને અપક્ષના 4 સભ્યે પણ ટેકો આપ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમમાં હિરેન પટેલની મહત્વની ભૂમિકા હતી. ત્યારે માનીતી વ્યક્તિને પ્રમુખ બનાવવાનું સપનું રોળાતાં અમિતે રાજકીય કિન્નાખોરી રાખીને ગોધરા કાંડમાં સજા પામનાર અને જેલ ફરારી ઇરફાન પાડાને હત્યા માટે સોપારી આપી હોઇ શકે છે. હત્યાને અકસ્માતમાં ખપાવવાનું કાવતરું રચી જીપની ટક્કર મારીને હિરેન પટેલનો જીવ લેવાયો હતો. આ કેસમાં ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, દાહોદ, પંચમહાલ, મહિસાગર LCB સહિતની ટીમોએ છ શખ્સો ઝડપ્યા બાદ ઇમરાન ફરાર હોવાથી તપાસ અટકી હતી. જોકે, હવે ઇમરાન પકડાયા બાદ અમિતનું નામ સામે આવતાં પોલીસે તેને પણ ઝડપી લીધો છે.
સતત સત્તા મળતાં પરિવાર રાજકીય રીતે મજબૂત માનવામાં આવે છે
એક સમયના સરકારી કર્મચારી બાબુભાઇ કટારા 1997માં ભાજપમાં સક્રિય થયા હતાં. બાદ તેઓ 1999 અને 2004 એમ બે ટર્મ દાહોદ લોકસભામાં ભાજપાના સાંસદ રહી ચુક્યા છે. આશરે 10 વર્ષ ઝાલોદ APMCના ચેરમેન પણ રહ્યા છે. તેમના મોટા પુત્ર ભાવેશ ભાજપામાં વિવિધ હોદ્દા સાથે તા.પં. સભ્ય અને જિ.પં.માં ભાજપના સભ્ય તરીકે રહી ચૂક્યા છે. ટિકિટ મુદ્દે મનદુખ થતાં 2017માં તે ભાજપથી છેડો ફાડી કોંગ્રેસના બેનર ઉપર ઝાલોદના ધારાસભ્ય બન્યા હતાં. અમિત કટારાએ ક્યારેય રાજકારણમાં ઝંપલાવ્યુ નથી પરંતુ પત્ની કિંજલબેનના પાલિકાના રાજકારણમાં ઉતરતાં 2018માં બિનહરીફ પ્રમુખ બન્યા હતાં.
સોપારી આપનારો ઇમરાન APMCમાં ડિરેક્ટર પણ હતો
રાજકીય મંધાતાઓનો ખાસ બની બેઠેલો ઇમરાન ગુડાલા વર્ષ 16-17માં એપીએમસીની ચૂંટણી પણ લડ્યો હતો અને ડિરેક્ટર પણ બન્યો હતો. પોલીસને વિવિધ બાતમી આપવા સાથે કેટલાંક વ્યવહારો પણ પતાવી આપતો હોવાથી તેનો પોલીસ વિભાગ સાથે પણ ઘરોબો હોવાની ચર્ચા હતી.
અમિતના પિતા બાબુ કટારા સાંસદ હતા ત્યારે કબૂતરબાજીમાં પકડાયા હતા
અમિત કટારાના પિતા અને ભાજપના પૂર્વ સાંસદ બાબુ કટારા પણ વારંવાર વિવાદમાં આવી ચુક્યા છે. આ પહેલાં બાબુ કટારા જ્યારે સંસદ સભ્ય હતા ત્યારે કબૂતરબાજીના કેસમાં ઝડપાયા હતા. કબૂતરબાજીમાં નામ ખૂલ્યા પછી ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા હતા. 2008માં અમેરિકા સાથેના પરમાણુ કરાર મુદ્દે મનમોહનસિંહની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે તેમણે કોંગ્રેસ સરકારને બચાવવા માટે કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed