દાહોદ જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમારના અધ્યક્ષ સ્થાને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાઈ

આરોગ્ય-પોષણ તથા શિક્ષણ ક્ષેત્રે સધન કામગીરી કરવા જણાવ્યું,
અસરકારક પરિણામો માટે સમાજને સાથે રાખીને કામગીરી કરવી જરૂરી : જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમાર

દાહોદ જિલ્લાના પ્રભારી અધિકારી (ડીરેક્ટર જનરલ E.S.I.C, G.O.I. એન્ડ પ્રભારી ઓફીસર) રાજકુમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ, પાણીના સ્ત્રોતો, નાણાકીય સમાવેશ, કૌશલ્ય વિકાસ અને માળખાકીય સગવડો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ હેઠળ સમાવિષ્ટ સૂચકાંકો ઊંચા લાવવા તેમણે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમારનું અભિવાદન કર્યા બાદ એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ અંગે દાહોદ જિલ્લામાં થયેલી કામગીરીને પ્રેઝન્ટેશન સાથે રજૂ કર્યુ હતું. આ બેઠકમાં એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ હેઠળ સમાવિષ્ટ સૂચકાંકો પર વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી અધિકારી રાજકુમારે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે આ સૂચક અંકો સુધારવા લીધેલા પગલા તથા એકશન પ્લાન અંગે ચર્ચા વિચારણા કરી હતી. બેઠકમાં શાળાઓમાં લાઇટ તથા પીવાના પાણીની સગવડ, મિશન વિદ્યા હેઠળ થયેલી કામગીરીના પરીણામો તથા બાળકોની હાજરી તથા શિક્ષણની ગુણવત્તા સુધારવા પર ખાસ ભાર મૂકયો હતો. આરોગ્ય અને પોષણ ક્ષેત્રે સધન કામગીરીની જરૂરીયાત હોય આકરા પગલા ભરવા પણ તેમણે જણાવ્યું હતું. કૃષિ ક્ષેત્રે ગુણવત્તાયુકત્ત બિયારણ બધા ખેડૂતો વાપરતા થાય તથા ખેડૂતો માટેની વિવિધ યોજનાઓમાં તેમને જોડવા માટે નક્કર કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લાની માળખાકીય સગવડો તથા પશુપાલન ક્ષેત્રે જિલ્લાના સૂચકાંકો ઊંચા લાવવા ઠોસ કામગીરી કરવા જણાવ્યું હતું. લોકભાગીદારીનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે સમાજને જેટલો સાથે રાખીને કામગીરી કરીશું તેમ લાંબાગાળા સુધી અસરકારક પરિણામો મળશે. આરોગ્ય-પોષણ, શિક્ષણ જેવા આયોજનોમાં લોકજાગૃત્તિ ખૂબ જરૂરી છે. આ બધા ક્ષેત્રોમાં લોકોને સાથે રાખીને કામ કરવાથી નક્કર પરિણામો મળશે.
આ બેઠકમાં દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આર. કે. પટેલ, જિલ્લા આયોજન અધિકારી કે.એસ. ગેહલોત તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: