દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં બીજા દિવસે પણ ભક્તોનું હકડેઠઠ મહેરામણ ઉમટ્યું

Dahod - દાહોદ ખાતે યોજાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં બીજા દિવસે પણ ભક્તોનું હકડેઠઠ મહેરામણ ઉમટ્યું

+1બીજી સ્લાઈડ્સ જુઓ

દાહોદ. દાહોદ શહેરના દેસાઇવાડ સ્થિત શ્રી પી.એમ.કડકીયા સંસ્કાર કેન્દ્ર પરિસરમાં ગઈકાલથી આરંભાયેલ શિક્ષાપત્ર રસપાન મહોત્સવમાં બીજા દિવસે પણ ભક્તોની ભીડ ઉમટતા સમગ્ર પરિસર છલકાઈ ઉઠ્યું હતું. વક્તા વૈષ્ણવાચાર્ય પૂ. ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદય (કડી-અમદાવાદવાળા)એ વૈષ્ણવોને પુષ્ટિમાર્ગના સર્વગ્રંથોના સાર સમા શ્રી હરીરાય મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર સંદર્ભે જકડી રાખતું પ્રવચન આપતા જણાવ્યું હતું કે દુનિયાના લોકો આપણને મદદ કરી શકશે પરંતુ સુખી નહીં કરી શકે. સાચું સુખ તો કેવળ ભગવાન જ આપી શકે. આનંદનું સ્વરૂપ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. માનવ જીવન મળ્યું છે તો ઉદ્વેગ અને ચિંતા સ્વાભાવિક છે. પરંતુ અન્યાશ્રય કરતા ઠાકોરજી પાસેથી જ માંગવું. ખૂબ સુંદર વ્યવસ્થા સાથેના વિશાળ પરિસરમાં વૈષ્ણવાચાર્યજીએ ભક્તોને તરબોળ કરતું પ્રવચન કરતા ભક્તિના સાગરમાં ડૂબકી મારી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. મંગળવારે રાતના સમયે ધાર્મિક સમાજ કાર્યક્રમ યોજાયો છે. તો આજે બુધવારે શરદ પૂર્ણિમાના સર્વપ્રિય અવસરે વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજીની ઉપસ્થિતિમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી – એકતા રથ યાત્રાનું મલેકપુર ખાતે ભાવભર્યું સ્વાગત

મલેકપુર : અખંડ ભારતના શિલ્પી અને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમાનું સરદાર સરોવર ની પાસે સાધુબેટ ખાતે નિમાર્ણ કાર્ય પૂર્ણતાની આરે છે. જેનું આગામી સરદાર પટેલની 144મી જયંતિના 31 ઓકટોબર 2018 ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ થવાનું હોય લોકોમાં સરદાર પટેલ ના જીવન ચરિત્રની ઝાખી કરાવતી અને લોકજાગૃતિ ના આશય સાથે રાજ્યભરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતા રથ યાત્રાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે .

અર્બન ક્રીડાંગણ શરદ પૂનમના પર્વે આજે રાતના ખુલ્લું રખાશે

દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નવજીવન વિદ્યાસંકુલમાં આવેલ શહેર મધ્યેનું અર્બન ક્રીડાંગણ આજે તા.24-10-’18 ને બુધવારે શરદ પૂનમના પર્વે લોકો ખુલ્લા મેદાનમાંથી ચાંદનીની મજા માણી શકે તેવા શુભાશયથી રાતના 12 વાગ્યા સુધી નગરજનો કાજે ખુલ્લું મુકવામાં આવનાર છે તેવી જાહેરાત સંસ્થાના પ્રમુખ તરફથી કરતા આનંદ વ્યાપ્યો.

અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે શરદ પૂનમના ગરબા યોજાશે

અંકલેશ્વર. અંકલેશ્વર રામકુંડ ખાતે આવેલ શ્રી ક્ષિપ્રા ગણેશજી મંદિર ખાતે મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત શરદ પૂનમની રાત્રીના 8:30 કલાક થી 12 દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો બાદ શહેર વિસ્તારમાં શરદ પૂનમના ગરબા યોજવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા ગરબા પ્રેમી તેમજ ધર્મપ્રેમી જનતાને લેવા ટ્રસ્ટ મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.

ગોધરા બ્લોક કક્ષાનો દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવ ઉજવાયો

ગોધરા : સર્વશિક્ષા અંતર્ગત આ.ઈ. ડી.વિભાગ દ્વારા બી.આર.સી.ભવન અંબાલી ખાતે દિવ્યાંગ બાળકોનો ગરબા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં તાલુકામાંથી ૪૮ જેટલાં દિવ્યાંગ બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત બી.આર.સી જીગ્નેશ પટેલ દ્વારા દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. બાળકો,વાલીઓ તથા આઈ.ડી.સ્ટાફ દ્વારા માતાજીની આરતી કરવામાં આવી હતી.

અંકલેશ્વર ઇનર વહીલ ક્લબ દ્વારા હેપ્પી સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સુરવાડી શાળા કિટ વિતરણ

અંકલેશ્વર ઇનર વહીલ ક્લબ દ્વારા સુરવાડી પ્રાથમિક શાળા નંબર 46ને હેપ્પી સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત 1 વર્ષ માટે દત્તક લીધી છે. શાળાની જરૂરિયાત મજુબ શાળામાં શિક્ષકો માટે 8 ખુરશી, વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન, રમતગમતના સાધનો, 150 થી વધુ લાઈબ્રેરી માટે બુક, તેમજ ટોયલેટ બ્લોક, અને સાફ-સફાઈ માટે ક્લિનિંગ કીટ સહીત વિદ્યાર્થીઓની જરૂરિયાતના સાધનો અને શાળાકીય કીટનું તમેજ બુટ અને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇનર વહીલ ક્લબના પ્રમુખ જયશ્રી અમીપરા તેમજ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જાંબુઘોડા APMCમાં સતત ત્રીજીવાર ભાજપાનો ભગવો લહેરાયો

હાલોલ. જાંબુઘોડા એપીએમસીની ગત રોજ ચુંટણી યોજાઇ હતી. જેનું પરિણામ મત ગણતરી મંગળવારે રાખવામાં આવી હતી. ફોર્મ ચકાસણી બાદ વેપારી વિભાગના ભાજપાના ચાર સભ્યો બિનહરિફ ચુંટાયા હતા.ત્યાર બાદ નવ સભ્યો માટેની ચુંટણી પ્રક્રિયા તા.22 ઓકટોબરના રોજ યોજાઇ હતી. જેની મતગણતરી મંગળવારે યોજાતા મંડળી વિભાગમાંથી ભાજપા એપીએમસીના ચેરમેન જયોતિન્દ્રસિંહ રાણાનો વિજય થયોહતો. જયારે ખેડૂત વિભાગમાંથી ત્રણ ભાજપ અને પાંચ સભ્યો કોંગ્રેસના ચુંટાઇ રહ્યા હતા. આમ 13 સભ્યોમાંથી આઠ સભ્યો ભાજપના ચુંટાઇ આવતા ત્રીજીવાર એપીએમસી જાંબુઘોડા ભાજપે દબદબાભેર કબ્જે કરી હતી. સમગ્ર ચુંટણી પ્રક્રિયા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં પરીણામો બાદ બંને પક્ષે બોલાચાલી અને ટપલી દાવના દ્રશ્યો સર્જાયા હતા. ભાજપાએ આઠ બેઠકો મેળવતા ભારે આતશબાજી કરી વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી ઉત્સવ મનાવ્યો હતો.

આજે ચોથા દિવસે ડાંગરીયાથી એકતા યાત્રાનું પ્રસ્થાન થશે

દેવગઢ બારિયા . દાહોદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં બે રથ ૧૦ દિવસ જિલ્લાના જુદા જુદા ગામોમાં પરિભ્રમણ કરશે. તે પૈકી પ્રથમ એક એકતા રથ ચોથા દિવસે તા. ૨૪/૧૦/૨૦૧૮ના રોજ દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ખાતેથી સવારે ૮ વાગ્યે મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાશે. ત્યાર બાદ આ એકતા રથ ડાંગરીયા, નાનીઝરી, મોટીઝરી, રેબારી, અસાયડી, સાલીયા, પીપલોદ, પંચેલા, અંતેલા ગામોમાં પરિભ્રમણ કરી અંતેલા મુકામે ખેડૂત સભા યોજાશે. આ એકતા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. આ એકતા રથ યાત્રામાં સંબંધિત ગામના આગેવાનો, ગ્રામજનોને ઉપસ્થિત રહેવા એકતા રથ યાત્રાના નોડલ અધિકારી અને આયોજન અધિકારી કિરણ ગેલાતે જણાવ્યુ છે.

છોટાઉદેપુર તાલુકામાં એકતા રથયાત્રાને વધાવાયો

છોટાઉદેપુર, તેજગઢ. અખંડ ભારતની આગવી વૈશ્વિક ઓળખ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાપર્ણ તા.31મી ઓકટોબરે થનાર છે, ત્યારે ઘેલવાંટ, ઘંઘોડા, પુનિયાવાંટ, દુમાલી, તેજગઢ, દેવળીયા વગેરે ગામોમાં એકતા રથયાત્રાને ગામજનોએ ઉત્સાહભેર રીતે વધાવી લીધી હતી. ગ્રામજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ઉપસ્થિત ગ્રામજનોએ એકતા અને અખંડિતતાના શપથ લીધા હતાં. સરદાર સાહેબના જીવન કવન વિશે એલ.ઇ.ડી.ના માધ્યમ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. આ અવસરે માજી.ધારાસભ્ય શંકરભાઇ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપાના મહામંત્રી મૂકેશભાઇ પટેલ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

કવાંટના ખત્રી સમાજના 21 લોકો પાવાગઢ જવા રવાના

કવાંટ. કવાંટ નગરમાં વસતા પંચોલી( ખત્રી ) સમાજના 21 આગેવાનો પદયાત્રા દ્વારા પાવાગઢ જવા રવાના નગરમાં વસતા પંચોલી સમાજ વર્ષોથી નગરમાં આવેલ મહાકાળી મંદિરની સંપૂર્ણ જવાબદારી સાથે પૂજા અર્ચના કરે છે.ખત્રી સમાજના 21 જેટલા વ્યક્તિઓ મંગળવારના રોજ માતાજીનો રથ લઇ પદયાત્રા દ્વારા પાવાગઢ જવા રવાના થયા. ત્રણ દિવસની પદયાત્રા દ્વારા તેઓ પાવાગઢ મુકામે પહોંચશે અને પાવાગઢની મા મહાકાળીના દર્શન કરી કવાંટ પરત ફરશે.

ઝાલોદમાં લાયન્સ ક્લબ દ્વારા મોઢાના ખોડખાપણના રોગોનો કેમ્પ યોજાયો

ઝાલોદ. ઝાલોદ નગરમાં રવિવારના દિવસે વણકતળાઇ હનુમાનજી મંદિર પાસે લાયન્સ ક્લબ ઝાલોદ અને ધી ગુજરાત કલેફ્ટ એન્ડ ક્રેનિઓફેશ્યિલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા મોઢાના જન્મ જાત ખોડખાપણ, ફાટેલા હોટ અને ફાટેલા તાળવાના રોગોનો નિ:શુલ્કત સારવાર કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં નિષ્ણાંત ડો. શ્યામ શેઠ, ડો. રવિ કલોલા તથા નિષ્ણાંત સર્જનોની ટીમ દ્વારા 40 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તેમાં 10 જેટલા દર્દીઓને વિના મુલ્યે સારવાર કરાવવા માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ પ્રકાશ અગ્રવાલ, મંત્રી ડો. ચિંતન અગ્રવાલ, ખજાનચી મુકેશભાઇ અગ્રવાલ અને ડો. સોનલકુમાર દેસાઇ જોડાયા હતા.

ફતેપુરાના બલૈયામાં એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

સુખસર. ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે એકતા યાત્રા આવી પ હોચતા રાજકિય આગેવાનો સહિત કાર્યકર્તાઓ અને શાળાના બાળકો, ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી પ્રતિમાને ફુલહાર ચઢાવી આવકાર આપ્યો હતો. ફતેપુરા તાલુકાના બલૈયા પંથકમાં મંગળવારના રોજ વિવિધ ગામોમાં એકતા યાત્રા ફરી હતી. જેમાં બલપૈયા ખાતે લોખંડી પુરૂષ સરદાર ભાઇ પટેલની પ્રતિમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અખંડ ભારતના શિલ્પી મહામાનવ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વભરમાં ઉંચી વિરાટ પ્રતિમાનું તેમની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની રાજ્ય ભરમાં થઇ રહેલી ઉજવણી અંતર્ગત ગુજરાતના દશ હજાર જેટલા ગામડાઓમાં એકતાયાત્રાનો રથ દ્વારા જનજન સુધી દેશની એકતા અને અખંડીતતાનો સંદેશો પહોચાડી રહ્યો છે.

દાહોદ ખાતે ફૂટબોલ ઓપન વિભાગની સ્પર્ધા 28મીએ યોજાશે

દાહોદ. ગુજરાત સરકારના રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સંચાલીત ખેલમહાકુંભ-૨૦૧૮ની જીલ્લા કક્ષા કુટબોલ ભાઇઓ ઓપન વિભાગની સ્પર્ધા તા. ૨૮ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી દાહોદ, આર.એલ.એન્ડ પંડ્યા હાઇસ્કુલ, ફુટબોલ કેમ્પસ ખાતે યોજાશે. રીપોર્ટીંગ સમય સવારે ૮ થી ૧૦.૩૦ કલાક સુધી રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમના તમામ ખેલાડીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે ખેલાડીની અને ટીમ મેનેજરની રહેશે.

ચાંદોદમાં કાનપીરબાપુ અને તેઓના શિષ્ય શામળદાસ બાપુની સમાધિને સ્મર્ણાંજલિ

ચાંદોદ. ચાંદોદની કાનપીર ટેકરી ખાતે વણકર સમાજના સદ્દગુરુ કાનપીરબાપુ અને તેઓના શિષ્યશ્રી શામળદાસ બાપુની સમાધિ પર તેમના જીવનની ગાથા સાથે સામુહિક યજ્ઞ,પુજા, પાઠ તથા તેમની સ્મર્ણાજલીનો કાર્યક્રમો યોજાયો. આ નિમિત્તે વડોદરાના યશવિંતસિંહ, કે.સી પરમારે ચાંદંદોના પંચાયત સદસ્ય નરસિંહભાઇ જે.વણકર, અરવિંદ પરમાર, મહેશ પરમાર ઉપસ્થિત રહી પ્રસાંગિક પ્રવચન કર્યા હતા. ચાંદોદની કાનપીર ટેકરી ખાતે કાનપીરબાપુ અને તેઓના શિષ્ય શામળદાર બાપુની સમાધી પર તેમની યશગાથાના સ્મણાર્થે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચાંદોદ પંથકના અનુયાયી એકત્રિત થઇ યોજાયેલ યજ્ઞમાં ભાગ લઇ સમાધી પર પૂૂજા અર્ચના સહ પુષ્પ અર્પણ કર્યા હતા. તથા તેમની યશગાથા અને તેમના 300 વર્ષો પહેલાના પ્રસંગો અને ચમત્કારોના વર્ણન કરી તેમને સ્મર્ણાજલી આપી હતી. ત્યારબાદ આયોજીત પ્રસાદ-ભંડારાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વેજનો એ લાભ લીધો હતો.

26મીએ ગોધરા ખાતે મેગા જોબફેરનું આયોજન

ગોધરા. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાના બેરોજગારો માટે તા. 26મી ઓક્ટોબરના રોજ ગોધરા ખાતે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક એકમોમાં કાયમી, કોન્‍ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગથી તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ રોજગારવાંચ્છુ ઉમેદવારોની ભરતી થનાર છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગરની રોજગાર અને તાલીમ કચેરી, પંચ. જિલ્લા વહીવટી તંત્ર, પંચ., દાહોદ અને મહિ. જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે કલસ્ટર કક્ષાનો આ મેગા જોબફેર ઉક્ત તારીખે ગોધરાની શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં સવારે ૯/૦૦ કલાકથી શરૂ થશે. લાયકાત ધરાવતા ઉમેદવારો આ જોબફેરમાં ભાગ લઇ શકશે.


Related News

Comments are Closed

%d bloggers like this: