દાહોદમાં RT-PCR ટેસ્ટના સ્થાને સિટી સ્કેનનું શરણું, ઘરે જ સારવાર કરાવે છે

  • કોરોના છે કે નહીં તેનો અંદાજ મેળવવા રોજ 25થી વધુ લોકો સિટી સ્કેન કરાવે છે

સચિન દેસાઈ

Aug 01, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદમાં કોરોનાનો ભય વ્યાપ્ત છે ત્યારે જે તે વ્યક્તિને કોરોના છે કે નહીં તે માટે ફક્ત ઝાયડસ ખાતે કોરોનાનો ટેસ્ટ કરે છે. કોરોનાગ્રસ્ત જાહેર થવાના ભયથી લોકો સીટી સ્કેન તરફ વળ્યા છે. કોરોના છે કે નહીં તેવો અંદાજ મેળવીને ઘરે જ રીતે સારવાર કરાવી રહ્યા છે.આ અંદાજ મેળવવા માટે જ રોજ 25થી વધુ લોકો સીટી સ્કેન કરાવી રહ્યા છે.

સીટી સ્કેન વધુ સગવડિયું બની રહે છે
દાહોદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં શરદી-ખાંસીની સામાન્ય ફરિયાદને લઈને તપાસ અર્થે જતા બહુધા દર્દીઓ પૈકી દર્દીઓ ગભરાઈને સીધા જ ફેફસાના ડેમેજ સહિતના અન્ય રિપોર્ટ માટે દાહોદના સીટીસ્કેન કરતા ખાનગી ક્લિનિક્સ તરફ દોટ મુકી રહ્યા છે. સીટીસ્કેનમાં જોવાતા ચોક્કસ ચિન્હો વડે કોરોના હોવાનો અંદાજ મળ્યા બાદ તેઓ પૈકી કેટલાક લોકો અત્રેની ઝાયડસમાં કોરોનાનો ટેસ્ટ કરાવે છે. તો સાથે જ અમુક લોકો બારોબાર જ વધુ સારી સગવડ મેળવવા માટે વડોદરા કે અમદાવાદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં શિફ્ટ થઇ જાય છે. કેટલાંક દર્દીઓ કોઈને જાણ કર્યા વિના જ, કોઈને ખબર ના પડે તે રીતે ઘરમાં જ રહે છે. ઝાયડસમાં થતો કોરોનાનો રીપોર્ટ વડોદરા થતો હોઈ ત્રીજા દિવસે જાહેર થાય છે. 3 દિવસ દરમ્યાન દર્દીને વધુ નુકશાન ન થાય તેવી તેમના સ્વજનોને આશા હોય છે એટલે સીટી સ્કેન વધુ સગવડિયું બની રહે છે.

લગભગ 25 થી વધુ લોકો સીટી સ્કેન કરાવે છે
તો ઝાયડસમાં કોરોના ટેસ્ટ માટે લાગતી લાંબી લાઈનોથી છૂટકારો મેળવવાથી કાં તો અહીં કોરોના પોઝિટિવ આવશે તો નામ જાહેર થઈ જાશે તે વિચારે ગભરાઈને સીટીસ્કેન કરાવીને પોતાને કોરોના છે કે નહીં તેનો અંદાજ મેળવી લેતા હોય છે.આ દિવસોમાં એક સરેરાશ મુજબ દાહોદમાં ચાલતા બે સીટી સ્કેન સેન્ટર્સ ખાતે દિવસના કુલ મળીને લગભગ 25 થી વધુ લોકો સીટી સ્કેન કરાવે છે. લગભગ 5000માં થતો ટેસ્ટ કરાવનાર જે તે વ્યક્તિઓ પૈકી આશરે 70 થી 75% શંકાસ્પદ કોરોના પોઝિટિવ કેસ હોય છે.

કોરોના માટે RT-PCR ટેસ્ટ એકમાત્ર ઉપાય છે
સીટીસ્કેન વડે કોરોના છે કે નહીં તેનો એક અંદાજ માત્ર મળે છે. સીટીસ્કેન કરનાર તબીબો પણ એ મત દર્શાવ્યો હતો કે સીટીસ્કેન, કોરોનાનું અંતિમ નિદાન આપતું નથી. બલ્કે આ ટેસ્ટ દ્વારા તેમાં ન્યુમોનિયાનું સ્કોરનું પ્રમાણ મળતા 75% કેસમાં દર્દીને આડકતરી રીતે કોરોના પોઝિટિવ હોવાનો અંદાજ મળતો હોઈ જાતને સાચવી લેવાની સફળતા મળે છે. તબીબોના મતે જે તે કોરોના પોઝિટિવ હોવા, ન હોવાનું પરિણામ તો માત્ર RT-PCR ટેસ્ટ દ્વારા જ થઈ શકે છે.

બહારગામ જઈને સારવાર લેનારના નામ મેળવવામાં ઉપયોગી
દાહોદના જે તે રેડીયોલોજિસ્ટને ત્યાં સીટીસ્કેનમાં પોઝિટિવ આવેલ જે તે કેસોની જાણકારી અને વિગતો દરરોજ દાહોદના હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલે તો દાહોદના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા દરરોજ જે તે પોઝિટિવ દર્દીઓની જાહેરાત થાય છે તેમાં બહારગામ જઇને કોરોનાની સારવાર લેનાર દર્દીઓના નામ પણ જાહેર કરવામાં સરળતા રહે તેવી પણ લાગણી પ્રવર્તી રહી છે.

સિટી સ્કેન દર્દીઓ માટે અનેક રીતે ફાયદાકારક છે
આમ જોવા જઈએ તો સીટી સ્કેન ખાસ કરીને અત્યારના સમયે વરદાન રૂપ કહી શકાય. સામાન્ય કોરોના ટેસ્ટનું પરિણામ ત્રીજે દિવસે આવે છે તેની સામે આના વડે શરીરમાં જોવાતા ચિન્હો વિશે માત્ર અડધા કલાકમાં જ ખબર પડી જતા તેની સમયસર સારવાર આરંભી શકતા વ્યક્તિને વધુ નુકશાન થાતું અટકે છે. સીટી સ્કેન ઉપરથી જે તે વ્યાક્તિના ફેફસાં કેટલા નુકશાન થયેલા છે તે પણ તેમાં જોવાતા સફેદ પેચ વડે ખબર પડી શકે છે. >ડો કેતન પટેલ, પ્રમુખ, દાહોદ આઈ.એમ.એ.


Related News

Comments are Closed

%d bloggers like this: