દાહોદમાં હાંસીપાત્ર બનવા છતાં કોરોનાથી બચવા માટે જનજાગૃતિ ફેલાવતો યુવક

  • નગરજનોને શીખ આપવા માસ્ક, ચશ્મા, મોજાં પહેરી સજ્જ થઇને નીકળે છે

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે માસ્ક પહેરીને જ ઘરેથી નીકળવાની, સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા સહિતની શીખામણો લોકોને અપાઇ રહી છે. જનજાગૃતિ ફેલાવવા તંત્ર દ્વારા પણ ભરપુર પ્રયાસો કરાઇ રહ્યા છે. પરંતુ પૂર્ણ સફળતા મળી નથી. કેસો વધતા સ્વૈચ્છિક લોકડાઉન પણ શહેરમાં કરવું પડ્યું છે. ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે એક સામાન્ય ગણી શકાય તેવો યુવક કોરોના વોરિયર બનીને સામે આવ્યો છે.

તેને રોકનાર લોકોના હાથ તે સૌ પ્રથમ સેનેટાઇઝ કરે છે
દાહોદ શહેરના અંબીકા નગરમાં રહેતો સુલેમાન પઠાન કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોનાની વકરેલી પરિસ્થિતિ જોઇને તે જનજાગૃતિ ફેલાવવાના ઇરાદે માથે ટોપી, હાથમોજા, માસ્ક, ચશ્મા, ફેસશિલ્ડ અને હાથમાં સેનેટાઇઝરની બોટલ લઇને સાંજના સમયે મુખ્ય માર્ગો ઉપર ફેરણી માટે નીકળી પડે છે. પોતાના રૂપને લોકો જુવે તે માટે ફેસશિલ્ડ ઉપર તેણે લાઇટો જાણી જોઇને લગાવી છે. તેને રોકનાર લોકોના હાથ તે સૌ પ્રથમ સેનેટાઇઝ કરે છે.

સંક્રમણથી બચશે તો મારી આ મુહિમ સફળ થયેલી ગણાશે
આ રૂપમાં જોઇને લોકો તેની મશ્કરી પણ કરે છે પરંતુ સુલેમાનને તેની પરવા નથી. માસ્ક વગર ફરતા લોકોને તે ટકોર કરે છે ત્યારે કેટલાંકના રોષનો ભોગ પણ બને છે. સુલેમાનનું કહે છે કે, ‘આ દિવસોમાં તેની પાસે કોઇ જ કામ નથી. શહેરમાં કેસો વધી રહ્યા છે ત્યારે જનજાગૃતિ માટે આ પ્રકારે સાંજના સમયે નીકળંુ છું. કોઇ એક વ્યક્તિ પણ જો મને જોઇને માસ્ક, હાથમોજાં પહેરીને નીકળશે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સંક્રમણથી બચશે તો મારી આ મુહિમ સફળ થયેલી ગણાશે.






Related News

Comments are Closed

%d bloggers like this: