દાહોદમાં હનુમાન બજારમાં કેસરિયા થીમ પર ગરબા રમાશે

નવરાત્રી અડધી મંજિલે પહોંચી : દાહોદવાસીઓ ગરબાના તાલમાં તલ્લીન બન્યા

  • Dahod - દાહોદમાં હનુમાન બજારમાં કેસરિયા થીમ પર ગરબા રમાશે

    નવરાત્રિ મહોત્સવની હવે માત્ર ચાર જ રાત બાકી છે ત્યારે દાહોદના યુવાધનમાં તેનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. દાહોદના વિવિધ વિસ્તારોમાં જે તે કલાવૃંદ દ્વારા અથવા અમુક વિસ્તારોમાં સાઉન્ડ સિસ્ટમ ઉપર ત્રણ અને બે તાળીના તાલે પ્રાચીન અને અર્વાચીન ગરબા રેલાઈ રહ્યા છે. આ વખતે આઠ જ દિવસની નવરાત્રિના ચાર દિવસ સમાપ્ત થઇ ચુક્યા છે ત્યારે ચણિયા-ચોળી અને કેડિયુંની ખરીદી અને તે ભાડે આપનારાઓને ત્યાં જામતી ભીડમાં પણ હવે ઘટાડો થયો છે. શેરી ગરબાનું ખૂબ મહત્વ છે તે પડાવ વિસ્તારમાં આ વર્ષે અનેક સ્થળે શેરી ગરબાનું આયોજન નથી થયું. તો દા.અ.મ.સા.એજ્યુ.સોસાયટી દ્વારા યોજાતા શરદોત્સવ ગરબાનું પણ આ વખતે આયોજન નથી થયું. તે બદલે દાહોદના વિવિધ કલાકારો દ્વારા તા.20 ઓક્ટોબરે શાળા ત્રિવેણીના અર્બન ક્રીડાંગણ ખાતે ચાંદ અને ચાંદની આધારિત ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. ભક્તિ અને શક્તિના આ પાવન પર્વ નિમિત્તે દાહોદના અનેક વિસ્તારોમાં ગરબાના નિજાનંદની સાથે કોઈને કોઈ તરફથી લ્હાણી અને ચાહ-નાસ્તાની જ્યાફત પણ હોઈ લોકોનો ઉત્સાહ બેવડાયો છે તેમાં કોઈ બેમત નથી. શહેરના હનુમાન બજાર વિસ્તારમાં ગત વર્ષની માફક આ વર્ષે પણ એલ.ઈ.ડી. ઉપર મેગા સિટીમાં રેલાતા લાઈવ ગરબાના સથવારે નવરાત્રિનું આયોજન થયું છે. આ વિસ્તારમાં રસ્તા ઉપર સરસ મજાની વિશાળ રંગોળી રચાઈ છે. તો શુક્રવારે કૃષ્ણ રાધાની થીમ ઉપર પરંપરાગત પહેરવેશ પરિધાન કરી લોકો ગરબે ઘૂમ્યા હતા તેમ શનિવારે ભારતના વિવિધ પ્રાંતના પ્રચલિત પહેરવેશ પહેરીને લોકો ગરબે રમશે તેવી માહિતીની સાથે આ આ વિસ્તારના અગ્રણી કમલેશ રાઠીએ જણાવ્યું હતું કે રવિવારે રાતે હનુમાન બજાર ખાતે કેસરિયા થીમનું આયોજન હોઈ હનુમાન બજાર કેસરિયા લહેરથી રંગાશે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: