દાહોદમાં ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધની અફવાથી ચિંતા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાના કારણે આમ પણ લાંબા સમયથી વિવિધ વ્યવસાયો ઉપર નોંધપાત્ર અસર થવા પામી છે
  • રાજસ્થાન સરકાર દ્વારા કોરોના વાઇરસના ભયથી ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે

કોરોનાના કકળાટ વચ્ચે રાજસ્થાન સરકાર દ્વારા તાજેતરમાં ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આવું પગલું ભરાઈ શકે છે તેવી ફેલાયેલી હવાના પગલે દાહોદના વેપારીઓમાં પણ ચિંતાનું જબરજસ્ત મોજું ફેલાયું છે.

રાજસ્થાન સરકાર દ્વારા શ્વાસ અને દમના ચિન્હો ધરાવતા દર્દીઓ કાજે ફટાકડાનો ધૂમાડો ઘાતક જ છે તેવા મત સાથે આગામી દિવાળી પર્વ ટાણે જ ફટાકડા વેચાણ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. ત્યારે પડોશી રાજ્ય ગુજરાતમાં પણ સરકાર દ્વારા પ્રતિબંધ મુકી શકાય છે તેવી અટકળો વહેતી થતા દાહોદના વેપારીઓમાં ચિંતાનું મોજુ ઊભું થયું છે.

દાહોદ ખાતે સ્ટેશન રોડ સ્થિત કેશવ માધવ રંગમંચ ખાતે તા.1થી 16 નવેમ્બર દરમિયાન ફટાકડા બજાર કાજે ગત સપ્તાહે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિધિવત મંજૂરી આપવામાં આવી છે. પરંતુ હવે જ્યારે સાવ અચાનક જ રાજસ્થાન સરકાર દ્વારા ફટાકડાના બજાર ઉપર પ્રતિબંધ મુકાયો છે ત્યારે દાહોદમાં પણ કદાચ ફટાકડા ઉપર પ્રતિબંધ મુકાય તો શું થાય તે વિચારે લાખો રૂપિયાનું રોકાણ કરી બેઠેલા ફટાકડાના વેપારીઓમાં ચિંતાનું મોજું ફેલાયું છે. દાહોદ ખાતે અગાઉ ફટાકડાનો છૂટક વ્યવસાય કરતા વેપારીઓને સંકલિત કર્યા બાદ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી હેમંત બજાર અથવા કેશવ માધવ રંગમંચ ખાતે ફટાકડાનું વિશેષ બજાર કરવાની છૂટ આપવામાં આવે છે.

જ્યાં આગળ દાહોદના ફટાકડાના જે તે વેપારીઓ ફટાકડાનું વેચાણ કરે છે. વળી, આ વર્ષે કોરોનાના કારણે આમ પણ જ્યારે લાંબા સમયથી વિવિધ વ્યવસાયો ઉપર નોંધપાત્ર અસર થવા પામી છે. ત્યારે દાહોદ ખાતે કેસની સંખ્યા નોંધપાત્ર પ્રમાણમાં ઘટતા દાહોદ વહીવટીતંત્ર દ્વારા તમામ વેપારમાં મોટાપાયે છૂટ મળી છે. તો સાથે સાથે અગાઉ રવિવારે વ્યવસાયો બંધ રહેતા હતા તે પણ છેલ્લા ત્રણ રવિવારથી વેપારીઓને ખોલી વેપાર કરવાની છૂટ અપાતા દિવાળી પૂર્વે વેપારીઓની ગાડી માંડ માંડ પાટે ચડી છે. ત્યારે દાહોદ શહેરમાં નજીકના રાજસ્થાનની માફક કોઈ નિર્ણય લેવાશે તેવી અફવા ફેલાતા વેપારીઓ સ્વભાવિક ચિંતામાં આવી ગયા છે.

ફટાકડામાંથી નીકળતો સલ્ફર ડાયોક્સાઈડ કોરોનાના દર્દીઓ માટે ઘાતક છે
ફટાકડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ જેવા તત્વ હવામાં ભળતાં તેના કારણે શ્વાસ, અસ્થમા અથવા તેમજ હૃદયરોગના લક્ષણ ધરાવતા દર્દીઓને ઘાતક અસરો થવાની સંભાવના તજજ્ઞો દ્વારા વ્યક્ત થઈ છે. જેના પગલે રાજસ્થાન સરકારે કોરોનાના સમયે ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. ત્યારે હવે રાજસ્થાનને અડીને આવેલ દાહોદના વેપારીઓમાં હવે પોતાનું શું થશે તેવી સ્વાભાવિક ચિંતા ઉભી થઇ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: