દાહોદના સાત લબરમુછીયા એક સાથે ડૂબ્યા, 6 બચાવાયા, 1નું મોત

નસીરપુર ચેકડેમમાં ગણેશ વિસર્જન માટે જતાં બનેલી ઘટના કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો

  • Dahod - દાહોદના સાત લબરમુછીયા એક સાથે ડૂબ્યા, 6 બચાવાયા, 1નું મોત

    દાહોદ શહેર નજીક આવેલા નસીરપુર ગામના ચેકડેમમાં ગણેશ વિસર્જન માટે ગયેલા લબરમુછિયાઓ ઉત્સાહના અતિરેકમાં ઉંડા પાણી તરફ ધસી જતાં શહેરના ગારખાયા વિસ્તારના સાતેય એક સાથે ડૂબવા લાગ્યા હતાં. સમય સુચકતા વાપરી દોડી ગયેલા લોકો છને બચાવવામાં સફળ રહ્યા હતાં જ્યારે એકનું મોત થઇ ગયું હતું. કલાકની જહેમત બાદ કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાથી શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

    દાહોદ શહેરના ગારખાયા વિસ્તાર સ્થિત ખરાડિયા ફળિયાના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે વિસ્તારના લોકો ઉત્સાહ સાથે દાહોદ-ઇન્દૌર હાઇવે સ્થિત નસીરપુર ગામના ચેકડેમ ખાતે ગયા હતાં. વિસ્તારમાં રહેતાં યોગેશ દેવધા અને તુષાર બરજોડ સહિત સાત લબરમુછિયાઓેએ પણ ચેકડેમમાં ધુબાકા માર્યા હતાં. આ સાતેય ઉત્સાહમાં ઉંડા પાણી તરફ ધસી જતાં તેમણે સમતુલન ગુમાવ્યું હતું.સાતેય એક સાથે ડૂબવા લાગતાં બૂમાબૂમ થઇ ગઇ હતી. આ જોઇને આસપાસના લોકોએ ચેકડેમમાં ધુબાકા માર્યા હતાં. આ સાત પૈકીના છને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.જેમાંથી પાંચને ઝાઝી અસર થઇ ન હતી જ્યારે તુષાર વધુ પાણી પી ગયો હોવાથી તેને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ લબરમુછિયાઓ પૈકીનો યોગેશ ઉંડા પાણી તરફ હોવાને કારણે ડૂબી જતાં તેનું મોત થઇ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તેમજ તરવૈયા ચેકડેમ ખાતે પહોંચ્યા હતાં. એક કલાકની જહેમત બાદ યોગેશનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના પગલે મોટુ લોકટોળુ ઘટના સ્થળે ભેગુ થઇ ગયું હતું.

    નસીરપુર ગામે ગણેશ વિસર્જન કરવા ગયેલા એક કિશોરનું ચેકડેમમાં ડૂબી જતાં મોત થયું હતું. અહીં ડૂબેલા અન્ય છ કિશોરને બચાવી લેવામાં આવ્યા હતાં. તસવીર સંતોષ જૈન

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: