દાહોદના દવાખાનામાં ઓપરેશન વખતે માતા-શિશુનું એક સાથે મોત થતાં હોબાળો

ઉશ્કેરાયેલા લોકોનો તબીબ પર હુમલો : દવાખાને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મોતનું કારણ જાણવા મહિલાનું પેનલ પીએમ…

 • Dahod - દાહોદના દવાખાનામાં ઓપરેશન વખતે માતા-શિશુનું એક સાથે મોત થતાં હોબાળો

  દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં ગાયનેક હોસ્પિટલમાં પ્રસુતિ માટે ગયેલી મહિલા સાથે તેની બાળકીનું પણ મોત થઇ ગયુ હતું. આ ઘટના મામલે ઉશ્કેરાયેલા પરિવારે ભારે હોબાળો મચાવવા સાથે તબીબ ઉપર પણ હુમલો કર્યો હતો. ઘટના પગલે દવાખાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની ફરજ પડી હતી. પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને મહિલાનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. આ ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની હતી.

  દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારની ચિન્મય પાર્ક સોસાયટીમાં રહેતાં 27 વર્ષિય જશોદાબેન શીરીષકુમાર અમલિયાર પ્રેગનેન્ટ હોવાથી તેમની સારવાર ગત ફેબ્રુઆરી માસથી ગોદીરોડ વિસ્તારમાં જ આવેલા ન્યૂ લાઇફ લાઇન હોસ્પિટલમાં ડો. બુરહાન દાલરોટી પાસે ચાલતી હતી. બુધવારે જશોદાબેનને પ્રસુતિની પીડા ઉપડતાં દવાખાને લઇ જવાયા હતાં. ઓપરેશન માટે અંદર લઇ જવાયેલા જશોદાબેન સાથે તેમની બાળકીનું મોત થયું હતું. આ બાબતની જાણ થતાં પરિવારના માથે આભ ફાટી પડ્યું હતું. બનાવ પગલે ભેગા થયેલા કેટલાંક લોકોએ તબીબ ઉપર હુમલો પણ કર્યો હતો. બનાવની જાણ થતાં હોસ્પિટલ બહાર મોટુ ટોળુ ભેગુ થઇ જતાં એક તબ્બકે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. ઘટના પગલે દોડી ગયેલી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ગંભીરતા જોતા દવાખાને બુધવારની રાત સાથે ગુરુવારના રોજ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો રાખવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મનોજકુમાર પર્વતભાઇ અમલિયારે દાહોદ શહેર પોલીસ મથકે જાહેરાત આપતાં જશોદાબેન અને બાળકીના મોત મામલે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જશોદાબેનનું પેનલ પોસ્ટ મોર્ટમ કરીને મોતનું સાચુ કારણ જાણવા માટે વીસેરા લેવામાં આવ્યા હતાં.

  ડોક્ટર સોરી કહીને તે પોતાની ચેમ્બરમાં જતો રહ્યો હતો

  ઓપરેશન વેળા લોહીની કોઇપણ વ્યવસ્થા કરી ન હતી. મૃત બાળકી પહેલાં આપીને સીજર ચાલુ હોવાનું કહ્યું હતું.ત્યાર બાદ ભાભીની હાલત પણ સીરીયસ હોવાનું કહેવડાવ્યું હતું. ડોક્ટર ઓપરેશન થિયેટરમાંથી બહાર જ આવતો ન હોઇ જબરજસ્તી દરવાજો ખોલાવ્યો હતો એટલે સોરી કહીને તે પોતાની ચેમ્બરમાં જતો રહ્યો હતો અને પોલીસ બોલાવી લીધી હતી. ડોક્ટરની ભુલથી જ અમે પરિવારના બે સભ્યો ગુમાવ્યા છે. પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે.મનોજભાઇ મલિયાર, મૃતકના દિયર

  દાહોદના દવાખાનામાં મહિલા અને બાળકીનું મોત થતાં હોબાળો થયો હતો તથા મહિલા-બાળકીના મોત બાદ આક્રંદ કરતાં સ્વજનો તસવીરમાં નજરે પડે છે. તસવીર સંતોષ જૈન

  ઓપરેશન થિયેટરમાં લઇ જતાં જ ખેંચ આવી ગઇ

  પેસેન્ટને ઓપરેશન થિયેટરમાં લઇ જતાં સાથે જ ખેંચ આવી જતાં સીરીયસ થઇ ગયું હતું. અમારા ઘણા પ્રયાસો છતાં પેસેન્ટ બચી શક્યું ન હતું. બાળકીને બચાવવા ઓપરેશન કર્યું પરંતુ ખેંચને કારણે ઓક્સીજન નહીં મળતાં તેનું પણ મોત થયું હતું.ડો. બુરહાન દાલરોટી, ગાયનેક

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: