દાહોદ શહેરના કસ્બા અને ઘાંચીવાડા વિસ્તારમાં રોગચાળાના પગલે સોમવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડી ગયા હતાં. એન્ટી લાર્વલ કામગીરી માટે દસ ટીમો ખડકી દઇને 400 ઘરોનું સર્વે કરવામાં આવ્યું હતું. જેમાંથી 47 ઘરોમાંથી એડીસ મચ્છરના પોરા મળી આવ્યા હતાં. દરેક ઘરોમાં પાણીના પાત્રોમાં ટેનીફોસ દવા નાખવામાં આવી હતી સાથે સાંજના સમયે ફોગિંગ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા હતાં.
દાહોદના કસ્બા અને મોટા ઘાંચીવાડામાં છેલ્લા 20 દિવસમાં ડેન્ગ્યૂના 50 અને ચીકનગુનિયા રોગના 100 લોકો ભોગ બન્યા હોવાનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કર્યો હતો. તેના પગલે સોમવારે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. એપેડેમીક ઓફીસ સહિતના અધિકારીઓએ મોટા ઘાંચીવાડા વિસ્તારમાં જઇને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગની દસ ટીમો ઉતારીને એન્ટી લાર્વલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દિવસ દરમિયાન વિવિધ મહોલ્લાના 400 ઘરોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી 47 ઘરોમાંથી ડેન્ગ્યૂ માટે જવાબદાર એડીસ મચ્છરના પોરા મળી આવ્યા હતાં. આ પોરાનો નાશ કરવા માટે ઘરે-ઘર પાણીના પાત્રોમાં ટેનીફોસ દવા નાખવામાં આવી હતી. આ વિસ્તારમાં સાંજના સમયે ફોગિંગના આદેશ પણ આપવામાં આવ્યા હતાં. આ રોગ્ય વિભાગની ટીમે ઉતરી પડીને કામગીરી હાથ ધરતાં લોકોએ ક્ષણિક હાશ અનુભવી હતી.
ભાસ્કર ઇમ્પેક્ટ
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારમાં રોગચાળાના પગલે એન્ટીલાર્વલ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. : તસવીર સંતોષ જૈન
સ્વ જાગૃતિ પણ જરૂરી
દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. ઘણા લોકો પોતાના ઘરોમાં પાણીના પાત્રો ભરી રાખતાં હોવાનું હોવાનું પણ જોવા મળે છે. સફાઇ માટે આ વિસ્તારની પ્રજામાં જાગૃતિ જરૂરી બની છે. નગર પાલિકા દ્વારા સફાઇ નહીં કરવાની પ્રજા વાત કરે છે પરંતુ અહીંના લોકો પોતે પણ ગંદકી કરવાનું ટાળે અને ચોખ્ખા પાણીનો લાંબો સમય સંગ્રહ ટાળો તો ખાસ્સે અંશે રાહત થાય તેમ છે.
Comments are Closed