દાહોદ: હાથમાં ડંડા સાથે દાદાગીરી કરતો વ્યક્તિ એટલે RPF, રેલવે સુરક્ષા બળના જવાનની રેલવે ટ્રેક નજીકના ગામોમાં આ સામાન્ય છાપ છે. જોકે, ટ્રેનો પર વધેલી પથ્થરમારાની ઘટનાઓને જોતાં હવે RPFને ગ્રામ્ય પ્રજાને સમજાવવા માટે ગાંધીગીરીની ફરજ પડી છે. દાહોદના અનાસથી માંડીને ગોધરાના કાંસુડી વચ્ચે ટ્રેનો ઉપર પથ્થરમારાની વધેલી ઘટનાઓને જોતાં 96 કિમીના આ 25 ગામોમાં RPF દ્વારા ‘દોસ્તી’ ના અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનો ઉપર પથ્થર ફેંકવાથી શું મુશ્કેલી સર્જાય છે તે સમજાવા કાંસુડીથી માંડીને અનાસ સુધીમાં ચંચેલાવ, સંતરોડ પીપલોદ, લીમખેડા, મંગલમહુડી, ઉસરા, જેકોટ, રેટીંયા, બોરડી સહિતના રેલવે ટ્રેકની આસપાસ આવેલા વિવિધ ગામોમાં RPF પ્રાથમિકથી માંડીને માધ્યમિક શાળાએ જઇને બાળકો અને સંરપંચોનો સંપર્ક કરવામાં આવશે.
શિક્ષકો અને સરપંચોને શાળાના બાળકોને સમજાવાય તેવી ચર્ચા કરાશે.
આ સાથે ઢોરો ચરાવવા માટે જતાં લોકોને પણ મળીને ચાલતી ટ્રેન ઉપર પથ્થર નહીં ફેંકવા બાળકોને સમજાવવા માટેની અપીલ કરાશે. ફેંકેલા પથ્થરથી મુસાફરો ઘાયલ થાય છે સાથે નુકસાન પણ થાય છે તેની વિગતો આપવા સાથે ઘટના બને તો સંપર્ક કરવા માટે ગ્રામ્ય વિસ્તારની પ્રજાના મોબાઇલ નંબર પણ લેવામાં આવશે. પથ્થરથી ઘાયલ થયેલા લોકો વીશે જાણકારી પણ અપાશે સાથે શિક્ષકો અને સરપંચોને શાળાના બાળકોને સમજાવાય તેવી ચર્ચા કરાશે.
96 કિમીના ટ્રેક પર આવતાં 25 ગામમાં દોસ્તી અભિયાન ચાલશે
– અભિયાનમાં અનાસથી માંડીને કાંસુડી વચ્ચે રેલવે ટ્રેકના નજીકના ગામો આવરી લેવામાં આવશે.
– અભિયાનમાં આરપીએફ સાથે સેફ્ટી ટીમ, સ્કાઉટ તથા સ્થાનિક પોલીસની મદદ લેવાશે. જે ગામોમાં ઘટના બની છે તેની ઉપર ખાસ ફોકસ કરાશે.
– આરપીએફનું માનવુ છે કે બીજા તત્વો સાથે શાળાના બાળકો ઘટનામાં શામેલ હોય છે, બાળકો સામે કાર્યવાહી થઇ શકતી નથી. તેમના વાલિ , શાળાના સ્ટાફ, સરપંચ સાથે ચર્ચા કરાશે.
Comments are Closed