ડુંગળીનો હોલસેલ ભાવ 10 દિ’માં જ બમણો થયો

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં 10 દિવસ અગાઉ મહત્તમ રૂા. 31ના બદલે મહત્તમ 60 રૂા. કિગ્રા થયો

દાહોદમાં છેલ્લા 10 જ દિવસમાં કાંદાના ભાવમાં ભડકો થતા બમણો ભાવ થતા ગરીબોની કસ્તુરી ગણાતી આઈટમ ખાવાનું સામાન્ય લોકો માટે દુષ્કર બન્યું છે. ધોધમાર ચોમાસા બાદ ધીમા પગલે શિયાળાનું આગમન થયું હોવા છતાં દાહોદ ખાતે ડુંગળી, બટાકા સહિતના શાકભાજીનું બજાર અકળ કારણોસર ઉંચકાતા લોકોની થાળીમાંથી ક્રમશ: શાકભાજી દૂર થવા લાગી છે. સામાન્ય રીતે શિયાળાનું આગમન થાય તેની સાથે આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલ દાહોદમાં જે તે વિસ્તારોમાં પાકેલાં તાજ્જા શાકભાજી સાથે અન્ય સ્થળોએથી આવતા શાકભાજીનો સ્ટોક વધતા તેના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાતો હોય છે.

પરંતુ, એક તરફ જ્યારે કોરોનાના કારણે લાંબા સમયથી લોકોના વેપારધંધા બંધ રહેતા બધા બહુધા લોકો આર્થિક રીતેેે તૂટી જવા પામ્યા છે તેવા સમયે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી સાથે બટાકા અને અન્ય શાકભાજીના ભાવમાં જબરજસ્ત વૃદ્ધિ સાથે કઠોળના ભાવ પણ પ્રમાણમાં મોંઘા હોઈ નોંધાતા લોકો ભોજનમાં શાકભાજીની જગાએ શું ખાવું તેની વિમાસણમાં પડી જવા પામ્યા છે.

દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અંતર્ગત સંચાલિત શાકભાજી હોલસેલ શાકમાર્કેટમાં ગત તા.1 થી 10 ઓક્ટોબર દરમ્યાન ડુંગળીનો સરેરાશ ભાવ 8 થી 31 રૂ./ કિગ્રા હતો. તેની સામે તા.11 થી 23 ઓક્ટોબર દરમ્યાન ડુંગળીનો સરેરાશ હોલસેલ ભાવ 12 થી 60 રૂ./કિગ્રા થઇ જવા પામ્યો છે. તો આ જ રીતે બટાકાનો ભાવ પણ 18 થી 29 રૂ./કિગ્રા બદલે 10 દિવસમાં વધીને 27 થી 35 રૂ./કિગ્રા થયો છે.

ઓક્ટોબર મહિનાના બીજા પખવાડિયાની અંદર શાકભાજીના ભાવમાં નોંધનીય વધારો નોંધાતા હવે રીંગણ, દૂધી, ભીંડા કે પત્તા ગોબી વગેરે શાક સરેરાશ 70 થી 80 રૂ./ કિગ્રાના ભાવે તથા કારેલા, ચોળા સરેરાશ 100 રૂ./કિગ્રા અને તુવરસીંગ, ગુવારસીંગ કે સુરણ વગેરે સરેરાશ 120 થી 140 રૂ./કિગ્રાના ભાવે વેચાઈ રહ્યું છે. સામાન્ય રીતે બટાકા, ટામેટા અને ડુંગળી એ દાહોદમાં સહુથી વધુ ખપત પામે છે.

હવે તો તાજા પાકેલા શાકભાજીની દાહોદના હોલસેલ માર્કેટમાં આવક થવાનો આરંભ થઈ ચુક્યો હોવા છતાં ઓક્ટોબરના પ્રથમ પખવાડિયાના ભાવ કરતા બીજા પખવાડિયામાં બહુધા શાકભાજીના ભાવ વધી જવા પામ્યા છે.અને દાહોદના રિટેલ બજારમાં હાલમાં ડુંગળી 60 રૂ./કિગ્રા અને બટાકા 40 રૂ./કિગ્રાના ભાવે વેચાઈ રહ્યાં છે.






Related News

Comments are Closed

%d bloggers like this: