જાંબાઝ કિશોર/ ગળુ દબોચે તે પહેલા જ કિશોરે દીપડાને બાથ ભીડીને પછાડી દીધો

ખલતાગરબડીમાં પરોઢે મોઢું ધોતા કિશોર પર દીપડાએ હુમલો કર્યો હતો

 • Leopard Attacked On Teenager Boy, Boy Fight With Leopard Bravely

  મને જમણા હાથે અને છાતીના ભાગે દીપડા ના પંજાના નખ વાગતાં સામાન્ય ઇજા થઇ- રમેશ

  * આ ઘટના ધાનપુર અને દેવગઢ બારિયા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો
  * પછડાયેલો દીપડો બીજી વખત હુમલો કરવા ન આવ્યો
  * ઘરના સભ્યો દોડી આવતાં જંગલ તરફ ભાગી છુટ્યો

  * રમેશને જમણા હાથ પર તેમજ છાતીના ભાગે ઈજાઓ થતાં સરકારી દવાખાને ખસેડાયો હતો

  દાહોદ: ધાનપુર તાલુકાના ખલતગરબડી અને લાડવાવડના સીમાડા પર વનવિભાગના કવાર્ટરની સામે વજેસિહ મેડાના સવારના સાત વાગ્યાના અરસામાં ઘર આગળ આંગણે તેમનો 17 વર્ષીય દીકરો રમેશભાઈ દાંતણ કરી મોઢું ધોઈ રહ્યો હતો. તે વખતે અચાનક ધસી આવીને દીપડાએ રમેશભાઈ પર તરાપ મારતાં તેઓ પડી ગયા હતાં. રમેશભાઇએ પણ જીવ સટોસટની બાજીમાં હિંમત ન હારતાં દીપડાના આગળના બે પગ પકડીને બાથ ભીડીને પગ વડે દીપડાને ધક્કો મારી એક તરફ પછાડી દીધો હતો. આ દ્રશ્ય ઘરની અંદર રહેલા અન્ય સદસ્યો જોઈ જતા તેઓ પણ આંગણામાં દોડી આવીને દેકારો દેતા દીપડો નાસી છુટયો હતો.

  નીચે પડ્યા-પડ્યા લાત મારતાં ગુલાંટ ખાઇ ગયો

  ‘હું સવારમાં સાતેક વાગ્યે દાંતણ કરી અને ગરમ પાણીના લોટા વડે મોઢુ ધોઇ રહ્યો હતો. તેવામાં અચાનક મારા પર દીપડાએ તરાપ મારતા હું નીચે પડી ગયો હતો. દીપડો મને પકડે તે પહેલાં દીપડાના બંને આગળના પગ મારા હાથમાં આવી જતા નીચે પડ્યા હતા. દીપડાને પગથી જોરદાર ધક્કો મારતા તે ગુંલાટ ખાઇ ગયો હતો. બીજી વખત તે હુમલો કરવા આવ્યો ન હતો. ઘરના સભ્યો દોડી આવતા જંગલ તરફ ભાગી છુટયો હતો. મને જમણા હાથે અને છાતીના ભાગે દીપડાના પંજાના નખ વાગતાં સામાન્ય ઇજા થઇ છે’- રમેશભાઈ મેડા, દીપડા સામે બાથ ભીડનાર કિશોર

  પંથકમાં ફરીથી ભયનું લખલખું

  છેલ્લા એકાદ મહિનાથી દીપડાના હુમલાઓમાં બે કિશોરી અને એક વૃદ્ધાનું મોત જેના પગલે આ પંથકમાં ભય અને હાહાકાર મચી જવા પામ્યો હતો. વનવિભાગે દીપડાને પકડવા માટે નિષ્ણાતોની ફોજ ઉતારી હતી અને તેમણે પણ આ માનવભક્ષી બનેલા દીપડાને પકડવા વન વિસ્તારો ખૂંધ્યા હતાં. 6 ડિસેમ્બરે કૌટુંબી અને પૂનાકોટામાં એક જ રાતમાં એક નર અને માદા એમ બે દીપડા પાંજરે પૂરાયા હતા. વન વિભાગની જહેમત બાદ બે દીપડા પાંજરે પુરાતા વન વિભાગે હાશકારો અનુભવ્યો હતો અને લોકોને પણ દીપડા પકડાયા બાદ ભયમાંથી મુક્ત બન્યા હતા પરંતુ દીપડાએ ફરી હુમલા શરૂ કરતાં ભય વ્યાપ્યો છે.

  દીપડાએ મંગળવારે બે કૂતરાનો શિકાર કર્યો હતો

  ખલતગરબડી ગામના શનુભાઈ પુનકાભાઈના ઘરમાં દીપડો ઘુસી જઇને ઘરની અંદર જ બે કુતરાનોનો શિકાર કર્યો હતો જ્યારે ગત રોજ કોટંબીના કોઠાર ફળિયામાં જ્યાંથી દીપડાએ કિશોરીને મોતને ઘાટ ઉતારી હતી તે વિસ્તારમા દિવસે દીપડાએ બકરાઓના ટોળાં ચરતા કરતા હતા તે ટોળામાં ઘુસી ગયો હતો પરંતુ શિકાર કર્યો ન હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: