કલાની કદર: દાહોદમાં ‘સખી શોપ’થી આદિવાસી ગ્રામીણ મહિલાઓની પારંપરિક સહિતની હસ્તકલાને પ્લેટફોર્મ આપ્યું

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • સખી મંડળની બહેનોની કલાને વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી ડીડીઓની ઉમદા પહેલ

દાહોદ નગરમાં તાલુકા પંચાયત કચેરીની સામે શરૂ કરવામાં આવેલી ‘સખી શોપ’ જિલ્લાની સખી મંડળની બહેનોની કલા-કસબને ખરેખરૂં પ્લેટફોર્મ પૂરૂ પાડી રહ્યું છે. અહીં જિલ્લાની વિવિધ સખી મંડળની આદિવાસી ગ્રામીણ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વાંસની કલાત્મક વસ્તુઓ તેમજ ઘરઉપયોગી વસ્તુઓથી લઇને સુંદર લાકડામાંથી બનાવેલી ઘડીયાળો, તોરણ, માટીની વસ્તુઓ, પર્સ વગેરે એક જ ઠેકાણેથી મળી રહે છે.

ચાર મહિલાઓ જ આ સખી શોપ ચલાવી રહ્યાં છે

સખી શોપ ખાતે થતું આ બધી વસ્તુઓનું વેચાણ જિલ્લાના અનેક સખી મંડળોની બહેનો માટે આવકનું સાધન બન્યું છે. અનેક સખી મંડળો દ્વારા બનાવાતી વસ્તુઓ માટે સખી શોપ એક પ્લેટફોર્મની ગરજ સારે છે. સખી શોપ શરૂ કરવાનો મૂળ વિચાર કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજનો હતો. તેમણે જોયું કે સ્વસહાય જુથ સાથે જોડાયેલી મહિલાઓ ખૂબ સુંદર વસ્તુઓ બનાવી જાણે છે. પરંતુ તેનું યોગ્ય માર્કેટિંગ થતું નથી. જો સારૂ માર્કેટિંગ કરવામાં આવે તો આ બધી વસ્તુઓનું ખૂબ સારૂં વેચાણ થઇ શકે અને મહિલાઓની આવકમાં વધારો થાય. આ માટે તેમણે દાહોદમાં ‘પ્લાસ્ટિક કાફે’ ની બાજુમાં જ ‘સખી શોપ’ ને જગ્યા ફાળવવામાં આવી અને પ્લાસ્ટીક કાફે ચલાવતા ચંદ્રિકાબેન મેડા અને તેમની સાથે જોડાયેલી ચાર મહિલાઓ જ આ સખી શોપ ચલાવી રહ્યાં છે.

આ સખી શોપ સાથે 15થી પણ વધુ સખી મંડળોની બહેનો જોડાયેલી છે

સખી શોપ ચલાવતા ચંદ્રિકાબેન જણાવે છે કે, અહીં દાહોદ તાલુકા ઉપરાંત અન્ય તાલુકાના સખી મંડળો દ્વારા બનાવવામાં આવતી વાસથી બનાવેલી કલાકૃતિઓ, હાથસાળ, હસ્તકલા, ભરતકામ થી લઇને સખી મંડળ દ્વારા બનાવવામાં આવતા સેનેટરી નેપકિન સુધીની તમામ વસ્તુઓ આ એક જ જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંથી વેચાતી વસ્તુનો સીધો ફાયદો જે તે સખી મંડળની મહિલાઓને થાય છે. આ સખી શોપ સાથે 15થી પણ વધુ સખી મંડળોની બહેનો જોડાયેલી છે.

પ્લાસ્ટીક કાફેમાં જે ગ્રાહકો આવે છે તે સખી શોપની મુલાકાત લે છે

ગત દિવાળીના સમયમાં આ સખી શોપ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાના કેસો વધવા માંડ્યા પછી તે બંઘ કરવામાં આવ્યું હતું. જે હવેથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. પ્લાસ્ટીક કાફેમાં જે પણ ગ્રાહકો આવે છે તેઓ આ સખી શોપની પણ મુલાકાત લે છે. અને એ રીતે અહીંના સખી શોપમાં વેચાણ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

મહિલાઓ માટે સારી એવી આવકનું માધ્યમ

આદિવાસી મહિલાઓ ખૂબ જ ઉદ્યમી અને કલાની જાણકાર છે. પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તેમની કલા ઝળકી ઉઠે. જિલ્લામાં સખી મંડળની મહિલાઓ વાસની વિવિધ વસ્તુઓથી લઇને માટીકામ, ભરતકામ, મોતીકામ જેવી અનેક કામગીરી કરી રહી છે. અહીંની પારંપરિક કલાનો ઉપયોગ કરીને ઘણી મહિલાઓ સુંદર વસ્તુઓ બનાવી જાણે છે. ‘સખી શોપ’ આ તમામ મહિલાઓ માટે ખૂબ સુંદર પ્લેટફોર્મ અને સારી એવી આવકનું માધ્યમ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: