ઓગસ્ટના તહેવારો સંદર્ભેં વીડિયો કોન્ફરન્સથી શાંતિ સમિતિની બેઠક, કોરોનાને રોકવા ઉત્સવોની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ

દિવ્ય ભાસ્કર

Aug 08, 2020, 04:00 AM IST

દાહોદ. ઓગસ્ટ મહિનામાં આગામી તહેવારો ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી સંબધે આજ રોજ કલેક્ટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક સમાજના વિવિધ આંગેવાનો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કોઇ પણ પ્રકારના જાહેર ધાર્મિક કાર્યક્રમો, સભા-સરઘસો કે ઝૂલુસ ન કાઢવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી.

મૂર્તિઓનું ઘરે જ વિર્સજન કરવામાં આવે તે અત્યારના સંજોગોને ધ્યાને લેતા વધુ યોગ્ય છે
રાજય સરકાર દ્વારા કોવીડ 19ને ધ્યાને લઇને લોકોના મોટા પ્રમાણમાં એકત્ર થવા પર, જાહેર મેળાવડા, ધાર્મિક સભા કે એવા સામુહિક કાર્યક્રમો પર પ્રતિબંઘ મૂકવામાં આવ્યો છે. ત્યારે જિલ્લામાં આગામી તા. 22થી શરૂ થતા ગણેશ ઉત્સવ અને તા. 30ના રોજ યોજાનારા મહોર્રમ (તાજીયા)નો ઉત્સવ પણ નાગરિકો ઘરે જ રહીને ઉજવે તે ઇચ્છનીય છે. જાહેર સ્થળોએ કોઇ પણ પ્રકારના સામુહિક ધાર્મિક કાર્યક્રમો યોજી શકાશે નહી. જાહેરમાં પંડાલ કે મૂર્તિની સ્થાપના કરી શકાશે નહી. આ ઉપરાંત પીઓપી કે ફાયબરની મૂર્તિઓનું કોઇ પણ કુદરતી જળાશયમાં વિર્સજન કરી શકાશે નહી. આવી મૂર્તિઓનું ઘરે જ વિર્સજન કરવામાં આવે તે અત્યારના સંજોગોને ધ્યાને લેતા વધુ યોગ્ય છે. કલેક્ટર એ ઉમેર્યું કે, આ સંજોગોમાં સમાજના આંગેવાનો પણ આગળ આવી લોકોને કોઇ પણ પ્રકારના ધાર્મિક મેળાવડા કે ઝૂલુસથી દૂર રહેવા સમજાવે તે જરૂરી છે. નાગરિકો જાતે જાગૃતિ દાખવી કોઇ પણ પ્રકારના મેળાવડાથી દૂર રહેશે તો જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવી શકાશે.

આ માટે સમાજના આંગેવાનો આગળ આવી દરેક દરેક નાગરિક સુધી આ સંદેશને પહોંચતો કરે તે જરૂરી બન્યું છે
બેઠકમાં જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગૃહ રાજય મંત્રી દ્વારા કોઇ પણ પ્રકારના તહેવારોની જાહેર ઉજવણી ન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આપણે તહેવારોની ઉજવણી ઘરે રહીને જ કરીએ તે ખૂબ જરૂરી છે. આ બાબતે લોકસહયોગની પણ એટલી જ આવશ્યકતા છે. આ માટે સમાજના આંગેવાનો આગળ આવી દરેક દરેક નાગરિક સુધી આ સંદેશને પહોંચતો કરે તે જરૂરી બન્યું છે. વિડિયો કોન્ફરન્સથી યોજાયેલી બેઠકમાં દરેક સમાજના આંગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને કોરોના સંક્રમણને જિલ્લામાં ફેલાતો રોકવા માટે સહયોગ કરવા માટે સર્વસંમતિ સાધવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એમ. જે. દવે તથા નાયબ પોલીસ અધિક્ષક પરેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.






Related News

Comments are Closed

%d bloggers like this: