ઉદ્ઘાટન: ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ છે : મુખ્યમંત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દાહોદમાં 1500 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતને વિશ્વનું પ્રતિષ્ઠિત રાજ્ય બનાવવાની નેમ વ્યક્ત કરી છે. દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ.1500 કરોડથી પણ વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભૂતકાળની સરકારોને રાજકીય ઇચ્છાશક્તિ નહોતી. આદિવાસીઓના વિકાસના નામે માત્ર મતો જ મેળવવામાં આવતા હતા. મતો મળી ગયા પછી લોકોને ભૂલી જવામાં આવતા હતા.

ઉક્ત સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ગુજરાતમાં ૪૨ વર્ષ સુધીની સત્તા દરમ્યાન લોકોની પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવ્યા નહોતા. પહેલા રાજ્ય સરકારનું બજેટ માત્ર સાત-આઠ હજાર જેટલું હતું. હવે એક માત્ર દાહોદમાં જ અને એક જ દિવસમાં રૂ.1500 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ભૂતકાળમાં પાણીની સમસ્યાના લીધે નાગરિકોને ક્ષારયુક્ત, ક્લોરાઇડવાળું પાણી પીવું પડતું હતું. ગૃહિણીઓ હેન્ડ પમ્પ ખેંચીને તૂટી જતી હતી. હવે, વર્તમાન સરકાર લોકોના ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી મળે એ માટે અમે કટિબદ્ધ છીએ. ખેડૂતોને સિંચાઇની સારી સુવિધા સાથે વિવિધ યોજનાઓ થકી ખેતરો સુધી પાણી પહોંચાડી રહી છે.

કડાણા સિંચાઇ યોજના અંતર્ગત મકાનના બાર માળ જેટલી ઉંચાઇએથી પાણી ખેંચી સિંચાઇ સુવિધા ઉભી કરવામાં આવી છે. ખેડૂતોને પાણી અને દિવસે વીજળી મળે એ માટેની પણ વ્યવસ્થા કરી સમગ્ર રાજ્યમાં સર્વ પ્રથમ દાહોદના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. ખેતઉપજોના વાજબી ભાવ મળી રહે તે હેતુ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 વર્ષમાં 17 હજાર કરોડથી ખેતજણસોની ટેકાના ભાવે ખરીદી કરી છે. વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં 90 હજાર કરોડના વિકાસના કામો કરાયા છે. 1 લાખ આદિવાસી પરિવારોને પેસા એક્ટ હેઠળ જમીનના અધિકારો આપ્યા છે.

આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને સ્થાનિક સાંસદ જશવંતસિંહ ભાભોરે પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, શૈલેશભાઈ ભાભોર, સંગઠનના અગ્રણીઓ શંકરભાઈ આંબલીયા, નરેન્દ્રભાઈ સોની, સ્નેહલભાઈ ભુરીયા, બી.ડી.વાઘેલા સહિતના અગ્રણીઓ તેમજ વરિષ્ઠ અધિકારી એમ.કે. જાદવ, મયુર મહેતા, જિલ્લા કલેકટર વિજય ખરાડી સહિતના અધિકારીગણ તેમજ પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

બીટીપીના અગ્રણી દેવેન્દ્રભાઈના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગુજરાતના મુખ્યમંત્રી વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવા ઝાલોદ તાલુકામાં આવવાના હોઈ જેને લઈ દાહોદ જિલ્લા ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા વાંધો વિરોધ પ્રદર્શન થશે તેવી વાતો ફેલાઈ હતી અને આ પાર્ટી દ્વારા સંભવિત વિરોધ પ્રદર્શનથી કાર્યક્રમમાં કઈ અડચણ ન આવે એ પહેલાથી દાહોદ તાલુકા પોલીસ દ્વારા દાહોદના નીમનળીયામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના દેવેન્દ્રભાઈ મેડાના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ દેવેન્દ્રભાઈને ડિટેન કરવામાં આવ્યા હતા.

રૂા.1500 કરોડના ક્યા વિકાસકાર્યો
મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયેલા વિકાસ કામોમાં રૂ.1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૧, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ.3.28 કરોડથી નિર્મિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન, આદિજાતી વિભાગ દ્વારા ઝાલોદ ખાતે રૂ.7.61 કરોડના સરકારી કુમાર છાત્રાલય, આરોગ્ય વિભાગના કુલ 2.40 કરોડથી નિર્મિત બે આરોગ્ય કેન્દ્રો અને જેટકો રૂ.2.20 કરોડના 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયું હતું એ જ પ્રમાણે ખાતમુહૂર્તની યાદી જોઇએ તો રૂ.226 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૨, કડાણા આધારિત રૂ.213.69 કરોડની ત્રણ પાણી પુરવઠા યોજના, પાણી પુરવઠા વિભાગની રૂ.14.94 કરોડની બે ફળિયા કનેક્ટિવિટી યોજના અને રૂ.4 કરોડના ખર્ચથી નિર્માણ પામનારા 66 કે. વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: